Sunday, April 27, 2008

"કાંચીવરમ"... રેશમી ડોર જીવન કીપ્રિયદર્શનને આપણે "હેરાફેરી" વગેરે કોમેડીથી જ ઓળખીએ છીએ, પણ આ પ્રતિભાશાળી દિગ્દર્શકે હવે જે નવી ફિલ્મ બનાવી છે તેવું કથાનક કોઇને પણ વિચારતા કરી દે તેવું છે. ભારતમાં સાડીઓનું વૈવિધ્ય અપાર છે. તેમાંય જે સાડીઓ મોંઘી હોવાની સાથે અત્યંત લોકપ્રિય રહી છે તેમાં એક છે "કાંજીવરમ" સાડી. તમિલનાડુમાં કાંજીપુરમ નામનો એક જિલ્લો છે, અને આ જિલ્લાના એક શહેરનું નામ છે કાંજીપુરમ. દાયકાઓથી આ નાનકડા શહેરમાં વણકરો દ્બારા તૈયાર કરાતી કાંજીવરમ સાડીઓ અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. હાથશાળ પર રેશમી સાડીઓ વણતા વણકરો લગ્ભગ ૪૦૦ વર્ષ પહેલાં અહીં સ્થાયી થયા હતા. આજે લગભગ પાંચ હજાર પરિવારો આ ઉદ્યોગમાંથી ગુજરાન મેળવે છે, પણ મોટા ભાગના ગરીબાઇમાં જીવન વિતાવે છે.
કાંજીપુરમના આ સિલ્કની સાડીઓ બનાવનારાઓના જીવનને કેન્દ્રમાં રાખીને પ્રિયદર્શને જે ફિલ્મ બનાવી છે તેનું શિર્ષક પણ છે "કાંચીવરમ". કાંજીવરમ અંગ્રેજીમાં Kanchivaram લખાય છે. ફિલ્મમાં પ્રકાશ રાજ અને શ્રિયા રેડ્ડીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકામાં સામ્યવાદીઓના નેતૃત્વમાં થયેલા આંદોલન દરમ્યાન બનેલી સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ છે. રેશમી સાડીઓ બનાવતા આ વણકરો પોતાના પરિવાર માટે ભાગ્યે જ એક સાડી ખરીદી શકતા હોય એવી તેમની સ્થિતિ હોય છે. "કાંચીવરમ"ની કથા વેંગડમ નામના એક વણકર દ્વારા કહેવાઇ છે. તેને એક દીકરી છે. તેનું નામ તમારાઇ. દીકરી તમારાઇનાં લગ્ન થાય ત્યારે તેને એક સિલ્ક સાડી આપવાનું તેનું સપનું છે.
હિન્દુ પરંપરા મુજબ રેશમ બે પ્રસંગોએ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લગ્ન પ્રસંગે અને મૃત્યુ સમયે. લગ્ન પ્રસંગે તે સંબંધોની ગાંઠ ખૂબ મજબૂત બનાવે છે અને મૃત્યુ ટાણે તે આત્માને સ્વર્ગે લઇ જાય છે એવી માન્યતા છે. વેંગડમનાં પોતાનાં લગ્ન થયાં હતાં ત્યારે તે પોતાની પત્નીને રેશમી સાડી આપી શક્યો નહોતો. પણ જે દિવસે દીકરી તમારાઇનો જન્મ થયો તે પછી પહેલે દિવસે જ્યારે તેને ભાત ખવડાવ્યો હતો તે દિવસે તેણે પ્રતિગ્ના લીધી હતી કે રેશમી સાડી પહેરાવીને તેનાં લગ્ન કરાવશે.
વેંગડમ પોતે પણ જાણતો હતો કે આ પ્રતિગ્ના પૂરી કરવી સરળ નહિ બની રહે. એટલે એ દિવસથી જ તે થોડું થોડું રેશમ ચોરવાનું શરૂ કરી દે છે. દરમ્યાનમાં એક સામ્યવાદી લેખક્ના સંપર્કમાં તે આવે છે ને તેનો જીવન પ્રવાહ બદલાર જાય છે. વણકરો હડ્તાલ પાડે છે. તેની તે આગેવાની લે છે. પણ એક એવી ઘટના બને છે કે તેના માથે આભ તૂટી પડે છે. એક બાજુ તેની દીકરીનું મોત થાય છે અને બીજી બાજુ રેશમ ચોરવાના આરોપસર તેની ધરપકડ થાય છે. સોળ વર્ષ દરમ્યાન તેણે ચોરેલા રેશમમાંથી જેટલી સાડી તેણે વણી હતી તે દીકરીના મૃતદેહની ઢાંકવા માટે પણ પૂરતી હોતી નથી.
વિશ્વભરમાં સામ્યવાદી ચળવળો કેમ તેનું મહત્ત્વ ગુમાવવા માંડી તેની પડતાલ કરવાનો પણ આ ફિલ્મમાં પ્રયાસ કરાયો છે.

Saturday, April 26, 2008

શિકાર હો કે ચલે...

મલાઇકા અરોડા અને અરબાઝ ખાન... આજકાલ આ બંનેનું પ્રિય ગીત એક જ હોઈ શકે... "શિકાર કરને કો આયે... શિકાર હો કે ચલે..." અથવા તો ગુજરાતીમાં એમ કહી શકાય કે "ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે." બન્યું છે પણ એવું જ. આજ સુધી એવું ઘણી વાર બન્યું છે કે કોઈ ફિલ્મના પ્રચાર માટે જે તે ફિલ્મ રીલીઝ થાય તે પહેલાં તેનાં હીરો-હીરોઈનના લફરાંની વાત ચગાવાઈ હોય, અને બીજી રીતે પણ આવા સ્ટંટ કરાતા હોય, પણ કોઈ ચીજ-વસ્તુના પ્રચાર માટે બોલીવૂડમાં સુખી ગણાતા એક દંપતી વચ્ચે છૂટાછેડા થવાના છે એવો સ્ટંટ તો કદાચ પહેલી વાર જ થયો, અને તેનો ભોગ બન્યાં મલાઈકા અને અરબાઝ. તેઓ છૂટાછેડા લઈ રહ્યાં છે એ વાત મીડિયામાં જે રીતે ચગી તેનાથી બંને બહુ દુખી થઈ ગયાં છે.

હવે અરબાઝનું ભોળપણ જુઓ. તે કહે છે કે "અમને એવી કલ્પના નહોતી કે મીડિયા આ વાતને આવી રીતે ચગાવશે. મેં કે મલાઈકાએ તો ક્યાંય જાહેરમાં એવું નથી કહ્યું કે અમે છૂટાં પડવાનાં છીએ."

અરબાઝને કોણ કહે કે મીડિયા બેધારી તલવાર છે. એને દોષ આપતા પહેલાં એટલું તો વિચારવું હતું કે આવો સ્ટંટ બૂમરેંગ થાય તો શું થાય... અને એવું જ થયું છે.

જાણે-અજાણે પણ મલાઇકા અને અરબાઝે જે કર્યું છે તેણે શો બિઝ્નેસમાં રહેલાં લોકોની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ખડો કરી દીધો છે. ભવિષ્યમાં આવા સારા કે માઠા કોઇ પણ સમાચાર આવશે ત્યારે પહેલી નજરે તો કોઇ તેને સાચા જ નહિ માને...

સ્ટંટ કરવા જતાં ક્યારેક સ્ટંટમેન પણ ઘાયલ થતો હોય છે. આ કિસ્સામાં પણ એવું જ બન્યું છે...

Friday, April 25, 2008

'પથેર પાંચાલી' ... નો, કલર પ્લીઝ...ભારતીય ફિલ્મોને આંતરરાષ્ટ્રિય નકશા પર મૂકી આપનાર કોઈ એક ફિલ્મનું નામ લેવું હોય તો તે સત્યજિત રાયની 'પથેર પાંચાલી' જ હોઈ શકે. છેલ્લા સમાચાર એ છે કે 'પથેર પાંચાલી'ને રંગીન બનાવાઈ રહી છે. સાપ્તાહિક 'સ્ક્રીન'ના નવા અંકમાં જે વિગતો છે તે પ્રમાણે જેણે 'મુગલે આઝમ' અને 'નયા દૌર'ને રંગીન બનાવી હતી તે મુંબઈની સંક્રાંતિ ક્રિયેશન આ કામ કરવાની છે. લગભગ ૭૦ જણાની ટીમ આ કામમાં એવી લાગી જવાની છે કે આ વર્ષના અંત સુધીમાં તે રીલીઝ કરી શકાય. ૫૦ વર્ષ પહેલાં 'પથેર પાંચાલી'નું નિર્માણ પશ્ચિમ બંગાળની સરકારે કર્યું હતું એટલે રંગીન 'પથેર પાંચાલી'ની જે આવક થશે તેમાંથી તેને ભાગ મળશે.

'પથેર પાંચાલી'ને રંગીન કરવાની વાત રાયના ચાહકોને મુદ્દલ ગમી નથી. એક બંગાળી ટીવી ચેનલ '૨૪ ઘંટા'એ એ માટે એક સર્વે કર્યો હતો તેમાં ૯૬ ટકા લોકોએ 'પથેર પાંચાલી'ને રંગીન બનાવવાની વિરુદ્ધમાં મત આપ્યો હતો.

સત્યજિત રાયના પુત્ર સંદીપ રાય કહે છે કે 'પથેર પાંચાલી'ની આજે આટલાં વર્ષો પછી પણ આંતરરાષ્ટ્રિય ફિલ્મ સર્કલમાં ખૂબ માંગ છે એટલે તેને રંગીન બનાવવા ઇચ્છે છે તેમની નઝર માત્ર પૈસા પર છે. 'પથેર પાંચાલી'ને રંગીન બનાવાય તે સામે મૃણાલ સેન, બુદ્ધદેવ દાસગુપ્તા, ગૌતમ ઘોષ સહિતના સર્જકોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. જો આ પ્રોજેકટ ચાલુ રખાશે તો આવનારા દિવસોમાં દેખાવો કરવાનું આયોજન થઈ રહ્યું છે.

શું થશે એ તો સમય આવ્યે ખબર પડશે, પણ ક્લાસિક કલાકૃતિઓ સાથે છેડછાડ ન થવી જોઈએ એવી મારી પણ દૃઢ માન્યતા છે. 'મુગલે આઝમ'ને રંગીન બનાવવાની વાતો ચાલતી હતી એ અરસામાં અમદાવાદમાં એક મોબાઈલ કંપની દ્વારા ફિલ્મોત્સવ યોજાયો હતો. તેના પ્રચાર માટે ફારૂખ શેખ આવ્યા હતા.
'જૂની ક્લાસિક ફિલ્મોને રંગીન બનાવવી એ યોગ્ય છે ખરું?' એવો પ્રશ્ન મેં તેમને પૂછ્યો હતો. ફારૂખે ગોળગોળ જવાબ આપતાં કહ્યું હતું કે 'ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તો ભલે થાય, બાકી ફિલ્મ તો ઓરિજિનલ જોવાની જ મઝા આવે.'

'મુગલે આઝમ'અને 'નયા દૌર' રંગીન થઈ ચૂકી છે, 'દિલ અપના ઔર પ્રીત પરાઈ' અને 'હમ દોનોં' રંગીન થઈ રહી છે. બીજી ઘણી ફિલ્મો પણ રગીન થશે જ, પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મને રંગીન કરવી એટલે 'મોનાલીસા' જેવા પેઈન્ટિંગ પર ફરીથી રંગ પૂરવા જેવી વાત થઈ કહેવાય. આવી ક્લાસિક ફિલ્મોમાં ચોક્કસ દૃશ્યોમાં લાઈટિંગનો વિશેષ ઉપયોગ કરીને જે પ્રભાવ ઊભો કરાતો, એ અસર એ જ ફિલ્મના રંગીન કરાયેલા દૃશ્યમાં ન જ આવી શકે.

'પથેર પાંચાલી' ૧૯૨૮માં વિભૂતિભૂષણ વંદ્યોપાધ્યાયે લખેલી નવલકથા પર આધારિત છે. આ ફિલ્મ બનાવતી વખતે રાયે કેટલાક નિર્માતાઓનો સંપર્ક કર્યો હતો પણ કોઈએ રસ દાખવ્યો નહિ એટલે પોતાની વીમાની પોલિસી પર વ્યાજે નાણાં લઈને અને થોડાક રૂપિયા ઉછીના લઈને તેમણે નિર્માણ શરૂ કરી દીધું હતું. સખત નાણાંભીડ વચ્ચે એક તબક્કે ફિલ્મ નિર્માણ અટકાવી દેવું પડે એવી સ્થિતિ થઈ ગઈ હતી, પણ અંતે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય પ્રધાન બી. સી. રોયની ભલામણથી રાજ્ય સરકારે આ ફિલ્મ ખરીદી લીધી હતી. પછી સરકારની સહાયથી ફિલ્મ પૂરી થઈ શકી હતી.

એક તબક્કે નાણાંના અભાવે અટકી પડેલી આ ફિલ્મ કેટલા ખર્ચે બની હતી એ આંકડો ઉપલબ્ધ નથી, પણ એ રકમ થોડા લાખથી વધારે નહિ જ હોય. હવે તેને રંગીન કરનારાઓ તેની પાછળ સવા કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે...રાય હયાત હોત તો તેમનો પ્રતિભાવ કેવો હોત?

Thursday, April 24, 2008

અબ આયેગા મઝા...

બ્લોગિન્ગની દુનિયામાં ઘણો મોડો પ્રવેશી રહ્યો છું.ઘણા સમય પહેલાં આ થઈ શક્યું હોત, પણ મેહમૂદની 'પડોશન'માં આગા કહે છે તેમ 'જબ જબ જો હોના હૈ તબ તબ વો હોતા હૈ'. બ્લોગ વિષે જાણકારીનો કોઈ અભાવ નહોતો. સદનસીબ વેબ ટેક્નોલોજીથી હંમેશાં પરિચિત રહેવાનું બન્યું છે. બ્લોગનો આ આખો કોન્સેપ્ટ જ નવોસવો હતો ત્યારે છેક પાંચેક વર્ષ પહેલાં પ્રતીક્ષાએ તેની કોલમ 'વેબ@હોમ'માં બ્લોગ વિષે લખ્યું હતું, પણ કોણ જાણે કેમ બ્લોગિંગની કદી ઈચ્છા જ થતી નહોતી.પણ જ્યારથી શત્રુઘ્ન સિંહાએ એવોર્ડ ફિક્સિંગનો અમિતાભ બચ્ચનના પરિવાર પર કરેલા આક્ષેપનો અમિતાભે bigb.bigadda.com પર બ્લોગ લખીને સણ્સણતો જવાબ લખ્યો એ વાંચવામાં આવ્યું ત્યારથી બ્લોગ લખવાનો સળવળાટ થવા માંડ્યો. મારે તો એ માટે કંઈ કરવાનું જ નહોતું. બસ, પ્રતીક્ષાને કહેવાની જ વાર હતી. એમ જ થયું. તેને કહ્યું એટલે એ કામે લાગી ગઈ, અને જોતજોતામાં આખો માંચડો ગોઠવાઈ ગયો. 'બસ, એમ જ...' એ અંગ્રેજી at random નું પરફેક્ટ ગુજરાતી નથી, પણ બસ, એમ જ કોઈ પણ વિષય પર વિચારો વ્યક્ત કરવા છે... હવે થાય છે, કાશ આ વહેલું કર્યું હોત... પણ,'જબ જબ જો હોના હૈ તબ તબ વો હોતા હૈ'...પહેલો બ્લોગ લખ્યા પછી એક જ અનુભૂતિ થાય છે... અબ આયેગા મઝા...

Wednesday, April 23, 2008

bas em j...

Till I figure out how to blog in Gujarati, let this page be as it is. Just like that. bas em j...