Friday, April 25, 2008

'પથેર પાંચાલી' ... નો, કલર પ્લીઝ...ભારતીય ફિલ્મોને આંતરરાષ્ટ્રિય નકશા પર મૂકી આપનાર કોઈ એક ફિલ્મનું નામ લેવું હોય તો તે સત્યજિત રાયની 'પથેર પાંચાલી' જ હોઈ શકે. છેલ્લા સમાચાર એ છે કે 'પથેર પાંચાલી'ને રંગીન બનાવાઈ રહી છે. સાપ્તાહિક 'સ્ક્રીન'ના નવા અંકમાં જે વિગતો છે તે પ્રમાણે જેણે 'મુગલે આઝમ' અને 'નયા દૌર'ને રંગીન બનાવી હતી તે મુંબઈની સંક્રાંતિ ક્રિયેશન આ કામ કરવાની છે. લગભગ ૭૦ જણાની ટીમ આ કામમાં એવી લાગી જવાની છે કે આ વર્ષના અંત સુધીમાં તે રીલીઝ કરી શકાય. ૫૦ વર્ષ પહેલાં 'પથેર પાંચાલી'નું નિર્માણ પશ્ચિમ બંગાળની સરકારે કર્યું હતું એટલે રંગીન 'પથેર પાંચાલી'ની જે આવક થશે તેમાંથી તેને ભાગ મળશે.

'પથેર પાંચાલી'ને રંગીન કરવાની વાત રાયના ચાહકોને મુદ્દલ ગમી નથી. એક બંગાળી ટીવી ચેનલ '૨૪ ઘંટા'એ એ માટે એક સર્વે કર્યો હતો તેમાં ૯૬ ટકા લોકોએ 'પથેર પાંચાલી'ને રંગીન બનાવવાની વિરુદ્ધમાં મત આપ્યો હતો.

સત્યજિત રાયના પુત્ર સંદીપ રાય કહે છે કે 'પથેર પાંચાલી'ની આજે આટલાં વર્ષો પછી પણ આંતરરાષ્ટ્રિય ફિલ્મ સર્કલમાં ખૂબ માંગ છે એટલે તેને રંગીન બનાવવા ઇચ્છે છે તેમની નઝર માત્ર પૈસા પર છે. 'પથેર પાંચાલી'ને રંગીન બનાવાય તે સામે મૃણાલ સેન, બુદ્ધદેવ દાસગુપ્તા, ગૌતમ ઘોષ સહિતના સર્જકોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. જો આ પ્રોજેકટ ચાલુ રખાશે તો આવનારા દિવસોમાં દેખાવો કરવાનું આયોજન થઈ રહ્યું છે.

શું થશે એ તો સમય આવ્યે ખબર પડશે, પણ ક્લાસિક કલાકૃતિઓ સાથે છેડછાડ ન થવી જોઈએ એવી મારી પણ દૃઢ માન્યતા છે. 'મુગલે આઝમ'ને રંગીન બનાવવાની વાતો ચાલતી હતી એ અરસામાં અમદાવાદમાં એક મોબાઈલ કંપની દ્વારા ફિલ્મોત્સવ યોજાયો હતો. તેના પ્રચાર માટે ફારૂખ શેખ આવ્યા હતા.
'જૂની ક્લાસિક ફિલ્મોને રંગીન બનાવવી એ યોગ્ય છે ખરું?' એવો પ્રશ્ન મેં તેમને પૂછ્યો હતો. ફારૂખે ગોળગોળ જવાબ આપતાં કહ્યું હતું કે 'ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તો ભલે થાય, બાકી ફિલ્મ તો ઓરિજિનલ જોવાની જ મઝા આવે.'

'મુગલે આઝમ'અને 'નયા દૌર' રંગીન થઈ ચૂકી છે, 'દિલ અપના ઔર પ્રીત પરાઈ' અને 'હમ દોનોં' રંગીન થઈ રહી છે. બીજી ઘણી ફિલ્મો પણ રગીન થશે જ, પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મને રંગીન કરવી એટલે 'મોનાલીસા' જેવા પેઈન્ટિંગ પર ફરીથી રંગ પૂરવા જેવી વાત થઈ કહેવાય. આવી ક્લાસિક ફિલ્મોમાં ચોક્કસ દૃશ્યોમાં લાઈટિંગનો વિશેષ ઉપયોગ કરીને જે પ્રભાવ ઊભો કરાતો, એ અસર એ જ ફિલ્મના રંગીન કરાયેલા દૃશ્યમાં ન જ આવી શકે.

'પથેર પાંચાલી' ૧૯૨૮માં વિભૂતિભૂષણ વંદ્યોપાધ્યાયે લખેલી નવલકથા પર આધારિત છે. આ ફિલ્મ બનાવતી વખતે રાયે કેટલાક નિર્માતાઓનો સંપર્ક કર્યો હતો પણ કોઈએ રસ દાખવ્યો નહિ એટલે પોતાની વીમાની પોલિસી પર વ્યાજે નાણાં લઈને અને થોડાક રૂપિયા ઉછીના લઈને તેમણે નિર્માણ શરૂ કરી દીધું હતું. સખત નાણાંભીડ વચ્ચે એક તબક્કે ફિલ્મ નિર્માણ અટકાવી દેવું પડે એવી સ્થિતિ થઈ ગઈ હતી, પણ અંતે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય પ્રધાન બી. સી. રોયની ભલામણથી રાજ્ય સરકારે આ ફિલ્મ ખરીદી લીધી હતી. પછી સરકારની સહાયથી ફિલ્મ પૂરી થઈ શકી હતી.

એક તબક્કે નાણાંના અભાવે અટકી પડેલી આ ફિલ્મ કેટલા ખર્ચે બની હતી એ આંકડો ઉપલબ્ધ નથી, પણ એ રકમ થોડા લાખથી વધારે નહિ જ હોય. હવે તેને રંગીન કરનારાઓ તેની પાછળ સવા કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે...રાય હયાત હોત તો તેમનો પ્રતિભાવ કેવો હોત?

1 comment:

jayeshupadhyaya said...

તમારા માં નવું સારું સર્જન કરવાની આવડતના હોય તો જુનાની ખાનાખરાબી ન કરો .હસમુખભાઇ મુગલે આઝમ બ્લેક વ્હાઇટમાં જે મજા આપી તે કલરમાં બેશક ન આવી પણ રીમીક્સ્અ અને કલરના આ જમાનામાં કોણ કોને વારે