Tuesday, May 13, 2008

નવા બ્લોગ હવે વર્ડપ્રેસ.કોમ પર...

મિત્રો,

હવે પછી મારા નવા બ્લોગ wordpress.com પર મળશે...
http://thankibabu.wordpress.com/

Wednesday, May 7, 2008

જૂઠ બોલે કૌઆ કાટે... ખરેખર?

મને જુઠ્ઠું બોલતા લોકો ગમતા નથી, એનો અર્થ એવો મુદ્દલ નથી કે હું કદી જુઠ્ઠું નથી બોલતો. જુઠ્ઠું બોલવાની બાબતમાં કોઈ પણ સામાન્ય માણસનું હોય છે એવું જ આપણું છે. પાછા ન પડીએ, પણ કોઈ બિનજરૂરી જુઠ્ઠું બોલે ત્યારે મજા ન આવે. આવા અનુભવો થતા રહેવા એ આજના જમાનામાં કોઈ નવી વાત ન કહેવાય અને કોઈએ તેનાથી વિચલિત પણ ન થવું જોઈએ એ પણ સાચી વાત છે, પણ છેલ્લા એક-બે દિવસમાં થયેલા અનુભવોએ વિચલિત નહિ, તો વિચારતો કરી દીધો છે.

શનિવારે બપોરે ફોન કર્યો તો ઓપરેટરે નામઠામ પૂછ્યા પછી ફરી લાઈન પર આવીને કહ્યું કે સાહેબ મીટિંગમાં છે. સાંજે ફોન કરજો. સાંજે ફોન કરવાને બદલે મંગળવારે બપોરે કર્યો તો ફરી થોડી વાર બાદ ઓપરેટરે કહ્યું, સાહેબ મીટિંગમાં છે અને થોડી વાર પછી બહારગામ જવાના છે.

ઓપરેટરના "સાહેબ" સાથે સારો સંબંધ છે. અને ફોન કોઈ ઉઘરાણી કરવા નહોતો કર્યો. તેમણે ધાર્યું હોત તો બે મિનિટ વાત કરી શક્યા હોત. તેમણે કેમ આવું કર્યું એ વિચારતાં મન ખાટું થઈ ગયું.

લોકો શા માટે જુઠ્ઠું બોલતા હશે એ પ્રશ્ન મારી જાતને પણ પૂછવો છે. જુઠ્ઠું બોલવા અંગે દુનિયાના ડાહ્યા લોકો શું કહે છે તે જોવા પ્રયાસ કર્યો તો જે મળ્યું તે આ રહ્યું :

* ખોટું બોલનારા લોકો હંમેશાં શપથ લેવા તૈયાર હોય છે. -- વિટ્ટોરિયો આલ્ફેરી

* સત્ય તો કોઈ મૂરખ પણ બોલી શકે, પણ જુઠ્ઠું સારી રીતે કેમ બોલવું એ માટે તો માણસમાં થોડી અક્કલ જોઈએ. -- સેમ્યુઅલ બટલર

* જુઠ્ઠાણું એ જીવનની શરત છે. -- ફ્રેડરિક નિત્શે

* જ્યોર્જ વોશિંગ્ટન કરતાં મારા સિદ્ધાંતોનું સ્તર ખૂબ ઊંચું છે. તેઓ જુઠ્ઠું બોલી શક્તા નથી, હું બોલી શકું છું, પણ બોલીશ નહિ. -- માર્ક ટ્વેઈન

* એક જૂઠ પૃથ્વીના છ આંટા મારી લે ત્યારે સત્ય હજી પાટલૂન ચઢાવતું હોય છે. -- માર્ક ટ્વેઈન

* કોઈ માણસમાં એટલી બધી યાદશક્તિ નથી હોતી કે તે સફળ જુઠ્ઠો બની શકે. -- અબ્રાહમ લિંકન

* જુઠ્ઠાણાં વિના માનવજાત હતાશા અને કંટાળાથી ખતમ થઈ જાય. -- અનાતોલે ફ્રાન્સ

* હેતુ સહિતનું જૂઠ સૌથી વધુ ખરાબ, પણ સૌથી વધુ ફાયદાકારક હોય છે. -- ફિન્લે પીટર

* જુઠ્ઠું બોલવું એ બાળક માટે કુટેવ, પ્રેમી માટે કળા, અપરણિત માટે આશીર્વાદ અને પરણેલા માટે સ્વાભાવિક હોય છે. -- હેલન રોલેન્ડ

* જો કોઈએ જુઠ્ઠા તરીકે ઓળખાવું હોય તો તેણે એ માટે પૂરતા પ્રયાસ કરવા જોઈએ. -- એ. એ. મિલ્ને

* બોલવું જ ન પડે તેમ હોય તો જુઠ્ઠું ન બોલશો. -- લિયો ઝિલાર્ડ

* જો તમારે જુઠ્ઠું બોલવું હોય તો તેનું રિહર્સલ કરી લેજો. જો એ તમને પોતાને જ ગળે ઊતરતું ન હોય તો તે બીજાને ગળે પણ નહિ ઊતરે. -- લેરોય "સેચલ" પેઈજ

* જૂઠનો પીછો ન કરશો. તેને એકલું રહેવા દો. તે જાતે જ મૃત્યુ પામશે. -- લિમેન બીચર

* એક કહેવત છે : "બાળકો અને મૂરખાઓ હંમેશાં સાચું બોલે છે." તેનો સાર એ જ કે "મોટેરાંઓ અને ડાહ્યાઓ કદી તે બોલતા નથી." -- માર્ક ટ્વેઈન

* લોકો શિકાર કર્યા પછી, યુદ્ધના સમય દરમ્યાન અને ચૂંટણી પહેલાં બોલતા હોય છે એટલું જુઠ્ઠું કદી નથી બોલતા. -- બિસ્માર્ક

Sunday, May 4, 2008

પચ્ચીસ વર્ષ પહેલાંની એ ઘટના...

પચ્ચીસ વર્ષ થઇ ગયાં. ૧૯૮૨ની પાંચમી મેએ સવારે ૯ ને ૧0 મિનિટની ઘડી. પ્રતીક્ષાનો ત્યારે જન્મ થયો. આજે તેનો ૨૬મો જન્મદિન છે. પચ્ચીસ વર્ષ નાનો સમયગાળો ન કહેવાય, તેમ છતાં હજી જાણે ગઈ કાલની જ વાત હોય એવું લાગે છે. કશું જ ભુલાયું નથી.

ત્યારે "જનસત્તા"માં સબ-એડિટર તરીકે જોડાયે માંડ અઢી વર્ષ થયાં હતાં. બે સામયિકો "ચાંદની" અને "રંગતરંગ"માં સહાયક સંપાદકની ફરજ બજાવતો હતો. ૧૯૮૨ની ૪ મેએ હંમેશ મુજબ સાંજે લગભગ સાડા સાત વાગ્યે નરોડા ઘેર પહોંચ્યો ત્યારે એક વાતની તો ખબર હતી જ કે ગમે ત્યારે હોસ્પિટલે દોડવું પડે તો નવાઇ નહિ, કારણ કે ડોક્ટરે આપેલી સંભવિત તારીખ નજીક આવી ચૂકી હતી.

તે દિવસે "જનસત્તા"ની રવિવારની સાપ્તાહિક પૂર્તિના સંપાદક નરેન્દ્ર ત્રિવેદીએ બે લેખ તૈયાર કરીને લાવવાનું કામ સોંપ્યું હતું. બંને લેખ બીજા દિવસે આપી દેવાના હતા, કારણ કે તો જ તે પછીના રવિવાર માટે પ્રિન્ટમાં જઈ શકે.

ઘેર પહોંચ્યો ત્યારે મારાં સાસુએ કહ્યું કે આજે ચંદ્રિકાને હોસ્પિટલે લઈ જવી પડે તો નવાઇ નહિ. મારી નજર સામે હવે બે લેખ હતા. તરત લેખ લખવા બેસી ગયો. મનમાં એવું ખરું કે બંને લેખ થઇ જાય તો સારું.

એક લેખ થયો ત્યારે સાડા નવ વાગ્યા હતા. ત્યાં સુધીમાં ચંદ્રિકાને વેણ ઊપડવી શરૂ થઈ ચૂકી હતી. હવે બીજા લેખ માટે સમય નહોતો. નરોડાથી છેક ભદ્ર પાસે આવેલા ડો. નાડકર્ણીના દવાખાને જવાનું હતું. લગભગ ૧૧ વાગ્યે દવાખાને પહોંચ્યાં, પણ આખી રાત રાહ જોયા પછી અંતે તા. પાંચમીએ સવારે ૯ ને ૧0 મિનિટે સ્વીટી (પ્રતીક્ષા)નું અમારા જીવનમાં આગમન થયું, અને અમારો આખો જીવનપ્રવાહ બદલાઇ ગયો.

વીતેલાં પચ્ચીસ વર્ષો પર નજર નાખતાં ખ્યાલ આવે છે કે અમે એટલું બધું પામ્યાં છીએ કે એ બધી સુખદ યાદો વર્ણવવા માટે તો આખું બ્લોગવિશ્વ નાનું પડે.

Friday, May 2, 2008

ચીનની દીવાલ : કાફકાની વાર્તા યાદ આવે છે

જગતની અજાયબીઓમાં સ્થાન ધરાવતી ચીનની દીવાલના એક નાનકડા હિસ્સા પર આજકાલ એક ચહલપહલ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં લગભગ પંદર વર્ષ પહેલાં ઓલિવિયા ન્યુટન-જોન નામની એક મહિલાને બ્રેસ્ટ કેન્સર થયું હતું. લાંબા સંઘર્ષ પછી તેનો કેન્સર સામેના જંગમાં વિજય થયો હતો, પણ પોતે જે શારીરિક અને માનસિક પીડા સહન કરી હતી તે દુનિયાની બીજી સ્ત્રીઓને સહન ન કરવી પડે તે માટે તેણે પોતાનું જીવન બ્રેસ્ટ કેન્સર સામેની લડતને સમર્પિત કરી દીધું છે. મેલબોર્નમાં "ઓસ્ટિન એન્ડ રિપેટ્રિએશન મેડિકલ સેન્ટર"ના સહયોગથી તેણે આ ઝુંબેશ ઓર મજબૂત બનાવી છે.

બ્રેસ્ટ કેન્સરનાં દર્દીઓને મદદરૂપ થવા માટે પચાસ લાખ ડોલર ભંડોળ એકઠું કરવાના ભાગરૂપે ચીનની દીવાલ પર ૨૨૮ કિલોમીટર "વોક"નું આયોજન કરાયું છે. જેઓ પોતે કે પોતાના કોઇ સગા કેન્સરનો ભોગ બન્યા હોય તેવા ઓસ્ટેલિયાના ઘણા મહાનુભાવો આ વોકમાં જોડાયા છે.

આ સમાચાર વાંચીને મને વિશ્વખ્યાત જર્મન લેખક કાફકાએ લખેલી એક ટૂંકી વાર્તા "ચીનની દીવાલ" યાદ આવી ગઈ. થોડાં વર્ષો પહેલાં હિંદી સામયિક "સારિકા"માં તે વાંચી હતી. કાફકા જેવો લેખક ચીનની દીવાલને વાર્તાનો વિષય બનાવે એટલે દેખીતું જ છે કે દીવાલના નિર્માણ દરમ્યાનની ઘટનાઓના નિરુપણમાંથી અનેક ગૂઢાર્થ નીકળતા હોય.

આટલાં વર્ષો પછી વાર્તાની ઝીણીઝીણી ડિટેલ તો યાદ નથી, પણ હજારો કિલોમીટર લંબાઈ ધરાવતી ચીનની દીવાલ વિષે એમ કહેવાય છે કે ચંદ્ર પરથી પૃથ્વી પર નજર નાખતાં જો કોઇ માનવસર્જિત ચીજ દેખાતી હોય તો તે ચીનની દીવાલ જ છે. ચીની ભાષામાં તેને "વાન લી છાંગ છંગ" કહે છે. લગભગ પાંચ હજાર કિલોમીટર લાંબી ચીનની દીવાલ આગામી ઓગસ્ટમાં ચીનમાં યોજાનારા ઓલિમ્પિક વખતે દુનિયાભરના રમતવીરો અને પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એમાં કોઈ શંકા નથી.

Thursday, May 1, 2008

સવાલ સહિષ્ણુતાનો, સમજનો...

રિશી કપૂરના પુત્ર રણવીર કપૂરને લઈને પ્રકાશ ઝા એક ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું નામ છે "રાજનીતિ". તેમાં રણવીર કપૂર રાજીવ ગાંધીની ભૂમિકા ભજવવાનો છે. સામાજિક અને રાજ્કીય નિસબત ધરાવતાં કથાનકો સાથે ફિલ્મ બનાવવા માટે પ્રકાશ ઝા જાણીતા છે. "દામુલ"થી લઈને "અપહરણ" સુધીની ફિલ્મો તેમણે બનાવી છે. સવાલ એક જ છે, આ ફિલ્મને વિરોધનું કોઇ વિઘ્ન નડશે કે કેમ? ભૂતકાળના અનુભવો આવા જ છે. કોઇ વ્યક્તિને દેવતુલ્ય ગણીને કે કોઇ ધાર્મિક કે સામાજિક કે એવું કોઇ કારણ આગળ ધરીને ફિલ્મ બનવા જ ન દેવી કે બનેલી ફિલ્મને પ્રદર્શિત ન થવા દેવી એ હવે વારંવાર બનતી ઘટના છે. ત્યારે પ્રશ્ન એક જ થાય કે આપણે એટલા અસહિષ્ણુ થઈ ગયા છીએ કે એક ફિલ્મને ફિલ્મ તરીકે જોઈ શકતા નથી? આપણે એટલી સમજ પણ ગુમાવી બેઠા છીએ? "જોધા અકબર" હાલનું જ ઉદાહરણ છે.

ફિલ્મમાં રાજીવ ગાંધીના પાત્ર સંબંધે વાત કરીએ તો થોડા સમય પહેલાં ઇન્દિરા ગાંધીના જીવન પરથી ફિલ્મ બનવાની હતી. તેમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા મનીષા કોઇરાલા ભજવવાની હતી. ઇન્દિરાના મેકઅપમાં મનીષાની તસવીરો પણ અખબારોમાં પ્રગટ થવા માંડી હતી. પણ એ દિવસોમાં મનીષાએ બોલ્ડ કહી શકાય એવી ફિલ્મ "એક છોટી સી લવસ્ટોરી"માં કામ કર્યું હતું એ કારણસર ફિલ્મનો વિરોધ કરાયો. અંતે ફિલ્મ પડતી મૂકી દેવાઇ હતી.

આવાં બીજાં ઘણા ઉદાહરણો આપી શકાય તેમ છે. આ સંદર્ભે એટલું તો સ્વીકારવું પડે કે પશ્ચિમના પ્રેક્ષકો વધુ પરિપક્વ છે. ત્યાં પણ વિરોધ તો થતો જ હોય છે, પણ ફિલ્મનું પ્રદર્શન અટકાવાતું નથી. અમેરિકામાં આતંકવાદી ઘટના ૯/૧૧ બની તે પછી એક દસ્તાવેજી ફિલ્મ "ફેરનહિટ ૯/૧૧" બની હતી. તેમાં પ્રમુખ બુશ પર આકરા પ્રહારો કરાયા હતા, પણ આ ફિલ્મ છેક ઓસ્કર એવોર્ડ સુધી પહોંચી હતી. આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી દસ્તાવેજી ફિલ્મ પૂરવાર થઈ છે. એ પછી બીજી એક ફિલ્મ "ડેથ ઓફ એ પ્રેસિડેન્ટ"માં તો બુશની હત્યા સુધીની વાત દર્શાવાઇ હતી, પણ ન તો સરકારે કે ન તો કોઇ પક્ષે કે જૂથે તેને રીલીઝ થતી અટકાવવા પ્રયાસ કર્યો નહોતો.

આપણે ત્યાં થોડાં વર્ષો પહેલાં ગુલઝારની ફિલ્મ "આંધી" સામે એ કારણસર વાંધો ઉઠાવાયો હતો કે સુચિત્રા સેને તેમાં ભજવેલું મુખ્ય પાત્ર ઇન્દિરા ગાંધી પરથી પ્રેરિત હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. એક સમયે તો તેના પર પ્રતિબંધની નોબત આવી ગઈ હતી. "ન્યુ દિલ્લી ટાઇમ્સ" નામની એક ફિલ્મને સરકાર એ કારણસર દૂરદર્શન પરથી પ્રસારિત નહોતી થવા દેતી કે તેના એક દૃશ્યમાં કોમી તોફાનો કરાવતા લોકો પૈકી કેટલાકે ગાંધી ટોપી પહેરી હતી.

પ્રકાશ ઝાની "રાજનીતિ"ને કોઇ અવરોધ ન નડે એવી આશા રાખીએ.