Sunday, April 27, 2008

"કાંચીવરમ"... રેશમી ડોર જીવન કીપ્રિયદર્શનને આપણે "હેરાફેરી" વગેરે કોમેડીથી જ ઓળખીએ છીએ, પણ આ પ્રતિભાશાળી દિગ્દર્શકે હવે જે નવી ફિલ્મ બનાવી છે તેવું કથાનક કોઇને પણ વિચારતા કરી દે તેવું છે. ભારતમાં સાડીઓનું વૈવિધ્ય અપાર છે. તેમાંય જે સાડીઓ મોંઘી હોવાની સાથે અત્યંત લોકપ્રિય રહી છે તેમાં એક છે "કાંજીવરમ" સાડી. તમિલનાડુમાં કાંજીપુરમ નામનો એક જિલ્લો છે, અને આ જિલ્લાના એક શહેરનું નામ છે કાંજીપુરમ. દાયકાઓથી આ નાનકડા શહેરમાં વણકરો દ્બારા તૈયાર કરાતી કાંજીવરમ સાડીઓ અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. હાથશાળ પર રેશમી સાડીઓ વણતા વણકરો લગ્ભગ ૪૦૦ વર્ષ પહેલાં અહીં સ્થાયી થયા હતા. આજે લગભગ પાંચ હજાર પરિવારો આ ઉદ્યોગમાંથી ગુજરાન મેળવે છે, પણ મોટા ભાગના ગરીબાઇમાં જીવન વિતાવે છે.
કાંજીપુરમના આ સિલ્કની સાડીઓ બનાવનારાઓના જીવનને કેન્દ્રમાં રાખીને પ્રિયદર્શને જે ફિલ્મ બનાવી છે તેનું શિર્ષક પણ છે "કાંચીવરમ". કાંજીવરમ અંગ્રેજીમાં Kanchivaram લખાય છે. ફિલ્મમાં પ્રકાશ રાજ અને શ્રિયા રેડ્ડીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકામાં સામ્યવાદીઓના નેતૃત્વમાં થયેલા આંદોલન દરમ્યાન બનેલી સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ છે. રેશમી સાડીઓ બનાવતા આ વણકરો પોતાના પરિવાર માટે ભાગ્યે જ એક સાડી ખરીદી શકતા હોય એવી તેમની સ્થિતિ હોય છે. "કાંચીવરમ"ની કથા વેંગડમ નામના એક વણકર દ્વારા કહેવાઇ છે. તેને એક દીકરી છે. તેનું નામ તમારાઇ. દીકરી તમારાઇનાં લગ્ન થાય ત્યારે તેને એક સિલ્ક સાડી આપવાનું તેનું સપનું છે.
હિન્દુ પરંપરા મુજબ રેશમ બે પ્રસંગોએ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લગ્ન પ્રસંગે અને મૃત્યુ સમયે. લગ્ન પ્રસંગે તે સંબંધોની ગાંઠ ખૂબ મજબૂત બનાવે છે અને મૃત્યુ ટાણે તે આત્માને સ્વર્ગે લઇ જાય છે એવી માન્યતા છે. વેંગડમનાં પોતાનાં લગ્ન થયાં હતાં ત્યારે તે પોતાની પત્નીને રેશમી સાડી આપી શક્યો નહોતો. પણ જે દિવસે દીકરી તમારાઇનો જન્મ થયો તે પછી પહેલે દિવસે જ્યારે તેને ભાત ખવડાવ્યો હતો તે દિવસે તેણે પ્રતિગ્ના લીધી હતી કે રેશમી સાડી પહેરાવીને તેનાં લગ્ન કરાવશે.
વેંગડમ પોતે પણ જાણતો હતો કે આ પ્રતિગ્ના પૂરી કરવી સરળ નહિ બની રહે. એટલે એ દિવસથી જ તે થોડું થોડું રેશમ ચોરવાનું શરૂ કરી દે છે. દરમ્યાનમાં એક સામ્યવાદી લેખક્ના સંપર્કમાં તે આવે છે ને તેનો જીવન પ્રવાહ બદલાર જાય છે. વણકરો હડ્તાલ પાડે છે. તેની તે આગેવાની લે છે. પણ એક એવી ઘટના બને છે કે તેના માથે આભ તૂટી પડે છે. એક બાજુ તેની દીકરીનું મોત થાય છે અને બીજી બાજુ રેશમ ચોરવાના આરોપસર તેની ધરપકડ થાય છે. સોળ વર્ષ દરમ્યાન તેણે ચોરેલા રેશમમાંથી જેટલી સાડી તેણે વણી હતી તે દીકરીના મૃતદેહની ઢાંકવા માટે પણ પૂરતી હોતી નથી.
વિશ્વભરમાં સામ્યવાદી ચળવળો કેમ તેનું મહત્ત્વ ગુમાવવા માંડી તેની પડતાલ કરવાનો પણ આ ફિલ્મમાં પ્રયાસ કરાયો છે.

2 comments:

Anonymous said...

સરસ રીવ્યુ અને ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત! અત્યાર સુધી લોકોની માન્યતા એવી હતી કે ગુજરાતી બ્લોગ પર લખવું એટલે કવિતાઓ અને વાર્તાઓ જ લખવી. પરંપરાનો ભંગ કરનારાઓમાં તમારો સહર્ષ સમાવેશ કરતાં મને બહુ જ આનંદ થયો :) (બહુ ઓછા લોકો છે..)

વારંવાર આવતો રહીશ અને તમને કોમેન્ટ વડે હેરાન કરતા રહીશ.

ફરી મળીશું.

Anonymous said...

સરસ બ્લોગ બનાવ્યો છે... ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત !

મળતા રહીશું...