Sunday, May 4, 2008

પચ્ચીસ વર્ષ પહેલાંની એ ઘટના...

પચ્ચીસ વર્ષ થઇ ગયાં. ૧૯૮૨ની પાંચમી મેએ સવારે ૯ ને ૧0 મિનિટની ઘડી. પ્રતીક્ષાનો ત્યારે જન્મ થયો. આજે તેનો ૨૬મો જન્મદિન છે. પચ્ચીસ વર્ષ નાનો સમયગાળો ન કહેવાય, તેમ છતાં હજી જાણે ગઈ કાલની જ વાત હોય એવું લાગે છે. કશું જ ભુલાયું નથી.

ત્યારે "જનસત્તા"માં સબ-એડિટર તરીકે જોડાયે માંડ અઢી વર્ષ થયાં હતાં. બે સામયિકો "ચાંદની" અને "રંગતરંગ"માં સહાયક સંપાદકની ફરજ બજાવતો હતો. ૧૯૮૨ની ૪ મેએ હંમેશ મુજબ સાંજે લગભગ સાડા સાત વાગ્યે નરોડા ઘેર પહોંચ્યો ત્યારે એક વાતની તો ખબર હતી જ કે ગમે ત્યારે હોસ્પિટલે દોડવું પડે તો નવાઇ નહિ, કારણ કે ડોક્ટરે આપેલી સંભવિત તારીખ નજીક આવી ચૂકી હતી.

તે દિવસે "જનસત્તા"ની રવિવારની સાપ્તાહિક પૂર્તિના સંપાદક નરેન્દ્ર ત્રિવેદીએ બે લેખ તૈયાર કરીને લાવવાનું કામ સોંપ્યું હતું. બંને લેખ બીજા દિવસે આપી દેવાના હતા, કારણ કે તો જ તે પછીના રવિવાર માટે પ્રિન્ટમાં જઈ શકે.

ઘેર પહોંચ્યો ત્યારે મારાં સાસુએ કહ્યું કે આજે ચંદ્રિકાને હોસ્પિટલે લઈ જવી પડે તો નવાઇ નહિ. મારી નજર સામે હવે બે લેખ હતા. તરત લેખ લખવા બેસી ગયો. મનમાં એવું ખરું કે બંને લેખ થઇ જાય તો સારું.

એક લેખ થયો ત્યારે સાડા નવ વાગ્યા હતા. ત્યાં સુધીમાં ચંદ્રિકાને વેણ ઊપડવી શરૂ થઈ ચૂકી હતી. હવે બીજા લેખ માટે સમય નહોતો. નરોડાથી છેક ભદ્ર પાસે આવેલા ડો. નાડકર્ણીના દવાખાને જવાનું હતું. લગભગ ૧૧ વાગ્યે દવાખાને પહોંચ્યાં, પણ આખી રાત રાહ જોયા પછી અંતે તા. પાંચમીએ સવારે ૯ ને ૧0 મિનિટે સ્વીટી (પ્રતીક્ષા)નું અમારા જીવનમાં આગમન થયું, અને અમારો આખો જીવનપ્રવાહ બદલાઇ ગયો.

વીતેલાં પચ્ચીસ વર્ષો પર નજર નાખતાં ખ્યાલ આવે છે કે અમે એટલું બધું પામ્યાં છીએ કે એ બધી સુખદ યાદો વર્ણવવા માટે તો આખું બ્લોગવિશ્વ નાનું પડે.

1 comment:

nilam doshi said...

અહી આપને મળીને આનંદ થયો. હકીકતે કોલકતાથી આવ્યા ત્યારે સંજયભાઇ અને ભાવેશભાઇએ ખાસ કહેલું આપને મળવા માટે....અને પ્રતીક્ષાની વેબની અજાયબ દુનિયા સાથે આપેલી. પરંતુ મળવાની ઘણી ઇચ્છા છતાં રહી ગયેલું. હું કોલકતા હતી ત્યારે હલચલમાં અવારનવાર લખતી હતી. હવે અમદાવાદમાં છું. અને આ ક્ષણે શિકાગો..યુ.એસ.માં બેસીને આપને લખી રહી છું.

મારા બ્લોગ ..પરમ સમીપે પરથી મારો પરિચય મળી જશે...અંગતમાં મારા વિશે લખેલ છે જ.અને આપને હું મળી ન હોવા છતા ઓળખું છુંૢ અને હવે અમદાવાદ આવી ને જરૂર મળીશ.
આભાર

http://paramujas.wordpress.com

nilam doshi

do visit mt blog...with yr precious, frank opinion..thanks